ષોડશ સંસ્કાર (૧૬ સંસ્કાર)
પ્રાસ્તવિકઃ-
ટીમ અમદાવાદ-ગાંધીનગરના પાંચેક મુખ્ય ધ્યેય માંહેનું એક એટલે આપણાં સાંસ્કૃતિક, સામાજીક, ધાર્મિક રીતિ-રિવાજો વગેરેનું એક દસ્તાવેજીકરણ કરવું. અહીં પ્રયત્ન એવો કરવો કે, બધું આજના કે અત્યારના સમય સંજોગો સાથે પ્રસ્તુત હોય. ખાસ તો રૂઢિગત રીતોથી કાંઇક આગળ આપવું અને કરતાં જવું.છતાં બધું સરળ કે સહજ હોય. અહીં કાંઇક એવો જ પ્રયત્ન છે.
સર્વ પ્રથમ અમોએ ૧૩ સપ્ટેમ્બર-૨૦૧૫ થી અત્યાર સુધી વેબસાઇટ દ્વારા અને શ્રીગૌડ જગતના માધ્યમ દ્વારા માહિતી, સહકાર વગેરેની વિનંતી કરેલ છે. છતાં સંજોગોવસાત અમોને ખાસ કાંઇ પ્રાપ્ત થયેલ નથી. ઇશ્વર ઇચ્છા..
આથી સંપૂર્ણ સમજદારી પૂર્વક, જવાબદારી સ્વીકારીને જ્ઞાતિના ઘણો વિદ્વાનો, ગુણીજનો નિપૂણ છે જ અને આ કાર્યમાં સક્રિય પણ છે જ અને તેઓની પાસે વિદ્વતા, જ્ઞાન અને માહિતીનો ભંડારો છે. અમો કોઇ જ પ્રકારના આ ક્ષેત્રના જ્ઞાતા,વિદ્વાન, અભ્યાસ કે અભ્યાસુ નથી. માત્ર જિજ્ઞાસુ છીએ. તેથી અમારી પાસેથી પ્રાપ્ય માહિતી અહીં રજૂ કરીએ છીએ. રજૂઆતની શૈલી પણ કાંઇક અમારી સમજણ પ્રમાણે બને તેટલી સહજ, સરળ અને હેતુલક્ષી રાખવા પ્રયત્ન કરેલ છે. મુખ્ય વાત વિષય છે “ષોડશ સંસ્કાર”, ખરેખર વિષય અને ફલક અતિ વિસ્તૃત છે. આથી બે ભાગમાં રજૂ કરવાનું નક્કી કરેલ છે. તેથી પ્રથમ સંસ્કાર, તેનું નામ, સંધિ, શાબ્દિક અર્થ, ભાવાર્થ, હેતુ કે મર્મની વિગતવાર સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ધાર્મિક વિધિ-વિધાન સંપૂર્ણ આપીશું તે વિચારે અત્યારે અહીં આપેલ નથી. અમારો અભિગમ કંઇક એમ છે કે, પ્રથમ પ્રશ્નને સમજવો અને જો એ સમજાશે તો પ્રશિક્ષિત થઇશું, તો ઉત્તર તો મેળવીને જ રહીશું.
આ રીતે ઘણી જગ્યાએ તે રીતે આડવાત, વધારે પડતો વિષય વિસ્તાર તથા પુનર્મુદ્રણનો દોષ વહોરીને પણ વધારે પડતી વિષય સમજણ કે માહિતી સમન્વિત કરીને આપવાનો અમારો પ્રયાસ છે.
વિષયવસ્તુને કાંઇક આધારસ્તંભ આપીએ તો સંસ્કાર એટલે શિક્ષણ, વિદ્યા એવો પણ સૂચિતાર્થ મેળવી શકાય. આ રીતે વિચારીએ તો વિદ્યા વ્યક્તિની , સમાજની , રાષ્ટ્રની મહામૂલી મૂડી પણ છે જ. આથી વ્યક્તિ કે સમાજનો વિકાસ, તેની સ્થિરતા અને પ્રગતિનો આધાર પણ લોકસમૂહની વિદ્યા આધારીત સમજણ, સંસ્કાર પર આધારિત થાય. માટે જ આપણા શાસ્ત્રોએ વિદ્યાની પ્રાપ્તિને અગ્રતાક્રમ આપી અવિરત વિદ્યા વિતરીત કરતા ગુરૂઓને સમાજમાં આદર અને માનપાન આપેલ છે.
આથી આપણા ઉદાત્ત સંસ્કાર એ માત્ર વ્યવહાર, રીતિ રિવાજ કે કર્મકાંડ કે વિધિ વિધાનની શ્રેણી નથી. વસ્તુતઃ સંસ્કાર એ ભારતીય પ્રણાલિમાં સંજ્ઞા વડે ધાર્મિક કે ક્રિયા છે. જે માનવીના આંતરિક શ્રીનું બાહ્ય દર્શનીય લક્ષણ દર્શાવે છે.
એ દુઃખદ છે કે, સંસ્કારો એ રિવાજ બની જતાં મૂળ ભાવને સ્થાને રૂઢિ મુખ્ય બનતી ગઇ અને તેથી સંસ્કારોમાં એટલી ચીવટ નથી હોતી જેટલી વહેવાર, લેવડદેવડ અને ભોજન આદિની હોય છે. આથી પણ આપણે સંસ્કારની વિભાવના, મર્મ કે હેતુને સારી રીતે સમજવાની આવશ્યકતા છે કે જેથી ઉચિત ફળ પ્રાપ્ત કરી શકાય.
આ કાર્યથી મર્યાદિત લોકોને પણ જો અમો માહિતી આપી શકીએ તો અમારૂં કાર્ય સાર્થક થશે અને કાંઇક ઉપયોગીપણાનો સંતોષ થશે.
અંતે કોઇ સર્વજ્ઞ નથી માટે અમો પણ નથી જ. આથી જો કોઇ જ્ઞાનીને દોષ દેખાય તો ધ્યાન દોરવા વિનંતી. અમો સાચી રીતે ભૂલ સુધાર માટે હંમેશા પ્રયત્નશીલ અને તત્પર રહીશું, સદા અને સર્વદા.
નોંધઃ- માહિતી - ચર્ચા માટે મહેશભાઇ દવે સાથે સંપર્ક કરવો. ફોન નં.૦૭૯-૨૬૪૦૫૬૫૭ મો-૯૯૭૪૭ ૬૬૫૬૨ Email-sarayumahesh@gmail.com
ષોડશ સંસ્કાર (૧૬ સંસ્કાર)
- પ્રથમ ષોડશ સંસ્કાર શું કામ ? ( સંખ્યા, મર્મ અને હેતુ )
- સંસ્કાર શબ્દનો અર્થ અથવા સંસ્કાર એટલે શું ?
- જીવનમાં શું કામ સોળ વખત સમય, પૈસા અને શક્તિનો ઉપયોગ કે દુરૂપયોગ કરવો.
- નફો કે નુકસાનનો હિસાબ એટલે કે સંસ્કાર શું કામ કરવાના? અને તેનાથી શું પ્રાપ્ય થાય.
- તુલના ( કમ્પેરીઝન) ઉપર્યુક્ત બધા જ પ્રશ્નો આપણા સમાજ જીવનના બહુ જ સહજ છે. કારણ કે, અત્યારના સમયને માહિતીનો યુગ કહેવામાં આવે છે અને નવા-જૂનાનો સમન્વય કરતાં રેખાચિત્ર કાંઇક આ પ્રમાણે બને.
- જે જળમાં છે તે જ સ્થળમાં છે.
- જે મહાભારતમાં છે એ જ અત્ર, તત્ર સર્વત્ર છે.
- જે જગતમાં છે તે બધું ગૂગલદેવ ( અત્યારના)માં છે અને એવી કોઇ વસ્તુ નથી, જે ગૂગલમાં ન હોય.
ઉપર્યુક્ત બધી જ (ત્રણેય) વાત સાચી જ છે. છતાં ગૂગલ માત્ર માહિતીનો સ્ત્રોત છે અને તે પણ કાયમી સાચી જ હોય તે જરૂરી નથી.કારણ કે, તેમાં સગવડતા માટે કોઇ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે. માટે આપણી અત્યારની વિડંબણા એ છે કે, આપણા બધા પાસે અધધ.. માહિતીનો ધોધ છે અને બધા જ વિષયના જ્ઞાની કે ગુણીજન કે માહિતગાર છે. માટે આપણા બધા માટે ખાસ ખાસ જરૂરત એ છે કે, મળતી બધી જ માહિતીને સમજવાની. એટલે કે, સમજણની. અને આ જ આપણો આજનો સળગતો પ્રશ્ન છે.
આ માટે આપણે પ્રથમ સંસ્કાર શબ્દના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ.
- સમ્ ઉપસર્ગ પૂર્વકના કૃ ધાતુને ભાવ અર્થમાં ધગ્ન પ્રત્યય લગાવવાથી સંસ્કાર શબ્દ બન્યો છે. બીજી રીતે જોઇએ તો સંસ્ કરોતી ઇતિ સંસ્કાર પણ થાય.
માટે વ્યક્તિ કે વસ્તુ પર સંસ્કાર કરવો એટલે તે વ્યક્તિ કે વસ્તુમાં રહેલા દોષોને દૂર કરીને તેમાં ગુણ ઉમેરવા, માટે દોષાપનયન અને ગુણધાન એ સંસ્કારનો ફલિતાર્થ થાય છે.
આ સચરાચર જગતમાં સજીવ કે નિર્જીવ એવું કાંઇ જ નથી કે જે સંસ્કાર વિહીન ઉપયોગમાં હોય. તેથી સંસ્કાર વગર કાંઇ જ ઉપયોગમાં લઇ શકાતું નથી. જેમ કે, આપણા ખાદ્યાન્ન (અનાજ) અને બધા નો પ્રિય ડાયમન્ડ .
ભારતીય સંસ્કૃતિમાં માનવજીવનના ત્રણ તબક્કા સ્પષ્ટ છે એટલે કે,
- (૧) આવણા- પૃથ્વી પર આગમન –જન્મ ( Entry)
- (ર) ભજવણા- એટલે કે જીવન મંચ પર ભજવવા પડતા જતા સુધીના બધા પાત્રો અને
- (૩) જાવણા- એટલે કે ગમન – Exit આ દુનિયામાંથી જતા રહેવાનું, આ દરમિયાન સોળ વાર દોષોને પ્રજાળીને નવા ગુણ સંપન્ન થવાની પ્રક્રિયાને સોળ સંસ્કાર તરીકે સમજી શકાય. કે જે માત્ર અને માત્ર ભારતીય સંસ્કૃતિની જ દેણગી છે.
આથી આપણે સંસ્કાર દ્વારા જે તે સમયે બે પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરીએ છીએ.
- (૧) પાપના પ્રક્ષાલનથી ઉત્પન્ન થતી યોગ્યતા કે શુદ્ધતા.
- (ર) નવીન ગુણોના ઉત્પાદનથી પ્રગટતી યોગ્યતા, કે જેમાં સંસ્કાર નવીન ગુણોને જન્માવે છે ત્યારે તપ પાપનો ક્ષય કરે છે.
આ રીતે સંસ્કાર એ માનવમાં નવા ગુણો પ્રગટાવનારો તેના વ્યક્તિત્વનું ઘડતર કરનારો અને તેનામાં અવનવી યોગ્યતા પ્રગટાવનારો શૈક્ષણિક, મનોવૈજ્ઞાનિક , સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ સમાજિક કીમિયો છે, કે જેનું પ્રાવધાન વિશ્વની બીજી કોઇ જ સંસ્કૃતિમાં નથી.
સંસ્કારની સંખ્યા૧૬ શા માટે ?
આ સોળ સંસ્કાની સંખ્યા બાબતમાં શાસ્ત્રોમાં જુદા જુદા મત અને સંખ્યા પ્રવર્તે છે અને તે ૪૦ કે તેથી પણ વધારે છે. છતાં ૧૬ સંસ્કાર કે જેથી આપણે હાલમાં પરિચિત છીએ તેમાંના પણ કેટલાક તો થતા પણ હોતા નથી. માત્ર થોડા જ થાય છે. પણ જે થાય છે અને જે નથી થતા તે સર્વ સંસ્કારો ભેગા મળીને ભારતીય જનને ઘોડિયાથી સ્મશાન સુધી જ નહીં પરંતુ ગર્ભધાન પહેલાથી મોક્ષ સુધી પવિત્રતા, ગુણ સંપન્નતા અને રક્ષણ આપે છે. આથી સંખ્યાવાચક શાસ્ત્રીય બાબતમાં ન ઉતરતા આપણા પ્રચલિત અને પરિચિત સંસ્કારોને સમજવાનો પ્રયત્ન કરતા આગળ વધીશું.
સંસ્કાર શું કામ કરવા ?
આ માટે આપણે પ્રથમ પરિચિત બે પૌરાણિક વાતનું અનુસંધાન લઇશું. મહર્ષિ વેદવ્યાસે અભિમન્યૂની કથામાં એને ચક્રવ્યૂહના ૬ કોઠાની વિદ્યા ગર્ભમાં જ શીખતો વર્ણવ્યો છે. ૭મા કોઠાની વિદ્યા શીખવાની રહી ગઇ તે રહી જ ગઇ અને પરિણામે કૌરવોએ ગોઠવેલા કોઠા યુદ્ધના વ્યૂહમાં અભિમન્યૂએ પ્રાણ ખોવાનો વારો આવ્યો.
બીજી વાતમાં અષ્ટાવક્રની કથામાં પિતાના વેદ પઠનમાં અષ્ટાવક્રને ક્ષતિ બતાવતો વર્ણવ્યો. પરિણામે એને આઠેય અંગ વાંકાથવાનો શ્રાપ મળ્યો. આવા કુરૂપ અલ્પકાર્યવાહી અંગો હોવા છતાં એણે મહારાજા જનકના દરબારમાં બ્રહ્મ વિદ્યાના નિરૂપણમાં ભલભલાને છક્કડ ખવડાવીને પિતા સહિત અનેકની મુક્તિ મેળવી. આ બંને કથા આપણને એ સ્પષ્ટ બતાવે છે કે, જીવના આગમન (ગર્ભધાન) ની પળથી માનવ બાળનું શિક્ષણ આરંભાય છે અને મૃત્યુ પર્યંત ચાલુ જ રહે છે.
આધુનિક નિરંતર શિક્ષણ, માનસ શાસ્ત્ર અને મેડિકલ સાયન્સ અનુસરીને અનુમોદિત કરે છે. માટે પ્રતિપાદિત થાય છે કે, સજીવ કે નિર્જીવ સંસ્કાર વિહીન અર્થ વિહીન છે અને તેનું કોઇ પણ સ્થાન કે મૂલ્ય નથી. માટે સંસ્કાર એ નફા-નુકસાન, વ્યય – ઉપયોગિતાથી પર છે અને જીવનનો ઊર્ધ્વગામી માર્ગ છે.
અત્યારનો સંદર્ભ- તુલના એટલે કે, કમ્પેરીઝન.
આપણે અત્યારના સંદર્ભમાં જોઇએ તો ઉપનયનના સંસ્કારોથી આપણી સાંસ્કૃતિક શિક્ષણ પરંપરાને અત્યારના સ્નાનક , અનુસ્નાતક વગેરેની પદવી જેવા સમજી શકાય તેવા છે. જે રીતે ચોક્કસ અભ્યાસ પછી ચોક્કસ નિપૂણતા કે ચોક્કસ આવડત અપેક્ષિત છે તે જ બાબત સંસ્કાર માટે પણ છે જ. વધારે સારી રીતે સંસ્કરણ માટે ઋતુ, ગ્રહોની સ્થિતિ-વાતાવરણ,સમય,સ્થળ, ભોજન, પ્રક્રિયા, સામગ્રી, આચાર્ય ( શિક્ષક ) ની નિપૂણતા- આવડત અત્યારના શિક્ષણ, તાલીમ, ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરતા વધારે ચોક્સાઇપૂર્વક નિયત કરેલા છે અને મહદ્અંશે વ્યક્તિલક્ષી હોય વધારે પરિણામજનક છે.
ખરેખર તુલના સમાનતાની હોય છતાં પણ અત્યારે આપણે મોટાભાગે તુલના, હરીફાઇ, ઇર્ષા કે અનુકરણ રૂપે કરવાને ટેવાયેલા છીએ. માટે થોડું એ રીતે પણ જોઇએ. ભારતીય સંસ્કૃતિમાં સંસ્કરણ ગર્ભધાન પૂર્વથી જ શરૂ થાય છે. જ્યારે અત્યારે શિક્ષણની શરૂઆત ત્રણ કે પાંચ વર્ષે થાય છે, કે જ્યારે બાળકનું અમુક ઘડતર તે સમયગાળા દરમિયાન થઇ ચૂક્યું હોય છે. બીજું સંસ્કારમાં અનુકૂળ ( કન્ડયૂસીવ) શારીરિક અને માનસિક વાતાવરણ, સમય, ખોરાક વગેરે જોવામાં આવે છે. જ્યારે અત્યારે આવું કંઇ પણ ગણતરીમાં લેવામાં આવતું નથી. મોટાભાગના ટ્રેનીંગ કે ઓરિએન્ટેશન પ્રોગ્રામ જગ્યા, વક્તાની અનુકૂળતા પ્રમાણે આપણે ત્યાં નવેમ્બર થી જાન્યૂઆરી સુધીમાં હોય છે.
૧૬ સંસ્કારમાંથી પહેલા ૭ સંસ્કાર એટલે કે, ગર્ભધાન, પુંસંવનન, સીમન્તો નયન, જાત કર્મ, નામકરણ અન્નપ્રાસન અને ચૌલ સુધીના અનુકૂળ વાતાવારણમાં ઘરમાં આપ્તજનોની હાજરીમાં થતા હોય છે, કે જે વ્યક્તિલક્ષી છે. જ્યારે આ સંસ્કાર કે એવું કાંઇ અત્યારના સમયમાં સ્થાન કે પ્રક્રિયા નથી.
ઉપર્યુક્ત બાબતોને ધ્યાને લેતાં અલગ અલગ પરંપરા અને પદ્ધતિઓ માટે તુલના કે કમ્પેરીઝનથી દૂર રહેવું યોગ્ય લાગે છે.
સંસ્કારોની પ્રચલિત યાદી આ પ્રમાણે છેઃ-
- ગર્ભધાન | પુંસંવનન | સીમંતોનયન | જાતકર્મ
- ષષ્ટીપૂજન કે માર્કન્ડેય પૂજન | નામાકરણ | દોલાહરણ
- દૂગ્ધપાન | નિષ્ક્રમણ | અન્નપ્રાસન | કર્ણવેધ
- ચૌલ | વિદ્યારંભ | ઉપનયન | શ્રીવેદારંભ –વૃત્તારંભ
- કેશાંત | સમાવર્તન | વિવાહ | ચતુર્થીકર્મ સંસ્કાર
ઉપર્યુક્ત સંસ્કારોમાં ગર્ભધાનથી સીમંતોનયન સુધીના સંસ્કારોમાં સંસ્કાર્ય સ્ત્રી છે કે જેથી વિધિ તેના ઉપર થાય છે અને સ્ત્રીની દોષશુદ્ધિ થવાની અપેક્ષા હોય છે.
જાતકર્મથી માંડીને ઉપનયન સુધીના સંસ્કારોમાં સંસ્કાર્ય બાળક છે, પણ બાળક પુખ્ત બુદ્ધિનું ન હોવાના કારણે પુત્ર સાથે માતા-પિતા એ ધર્મ વિધિઓ કરે છે.
ઉપનયનથી સમાવર્તન સુધીના સંસ્કારો આચાર્યની સાથે બટુકની સમજપૂર્વકની ભાગીદારીથી થતા હોય છે. વિવાહ એ પુખ્તવય અને વિવેકબુદ્ધિવાળા યુવક-યુવતીના સંસ્કાર છે અને વડીલોનો તેમાં કોઇ હસ્તક્ષેપ હોતો નથી. બંને પાત્રોની ગુણ પરીક્ષાપછી કુળ-ગોત્રની યોગ્યતા જાણ સંબંધ નક્કી કરે છે અને કુળવૃદ્ધો એમાંથી નિવૃત્ત થાય છે. વિવાહ સંસ્કાર વિધિ વર-વધૂ કરે છે અને ગૃહસ્થ પતિ-પત્ની સર્વ કાર્ય સાથે મળીને કરે છે.
આ સોળેય સંસ્કારો વડે વ્યકિતના ગર્ભધાન પૂર્વેથી માંડીને જન્મ અને ત્યારબાદ જીવનમાં માતા-પિતાની અશુદ્ધિઓથી માંડીને બાળકના જીવનમાં જાણ્યે અજાણે થતી અશુદ્ધિઓ દૂર થાય છે. વિવાહ સુધીના સંસ્કારો બ્રાહ્મ સંસ્કાર કહેવાય છે અને ગૃહસ્થે કરવાના યજ્ઞો એ દેવ સંસ્કાર કે દેવને ઉદ્દેશીને કરવાના સંસ્કારો ગણાય છે. બ્રાહ્મ સંસ્કારો એટલે કે ગર્ભધાનથી વિવાહ સુધીના સંસ્કારોને સ્માર્ત કે ગૃહ્ય સંસ્કાર પણ કહેવાય છે અને યજ્ઞો એ શ્રોતસંસ્કાર છે.
ભારતીય સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણો વૈદિક કાળ (સમય) આશરે ૧૦ હજાર વર્ષ જૂનો છે અને ત્યારથી આ સંસ્કાર પરંપરા આપણે ત્યાં પ્રચલિત છે. સંખ્યાત્મક રૂપે ફેરફાર હોઇ શકે પણ વિચારવંત ભાવના ઉદાત્ત છે. આપણા વૈદિક ધર્મ પ્રમાણે પુનર્જન્મ સ્વીકારેલ છે. માટે જન્મ પહેલા અને મૃત્યુ પછી માણસના દોષો દૂર થાય છે અને ગુણ પ્રજાળે તેવી વ્યવસ્થાનું નામ સંસ્કાર થાય.
એટલે કે, મનુષ્ય સારો જ આવે અને અહીં પણ સારો જ રહે અને જાય પણ સારો જ, માટે આ સંસ્કાર પરંપરા ઉત્તમ સમાજ રચના માટે રચાયેલી એક આદિ શ્રૃંખલા છે.
આપણા આ જન્મના દુઃખનું કારણ થનારા જ્ઞાતાજ્ઞાત, કાયિક, વાચિક અને માનસિક જે જે અશુભ કર્મો કરીએ છીએ તેને ફળ આપતા અટકાવવા સારૂ ધર્મશાસ્ત્રોમાં જે પ્રક્રિયા કરવાની દર્શાવી છે તેને પ્રાયશ્ચિત કર્મો કહેવાય.
ગત જન્મના અશુભ કર્મો કે જેનું પ્રાયશ્ચિત કરેલું નથી તેથી વર્તમાનમાં ફળ આપતા રોકવા કે ઓછા કરવા જે પ્રક્રિયા વિધાન આપેલું છે તેને શાંતિકર્મ કહેવામાં આવે છે એટલે કે, અનિષ્ટથી પોતાનું અને પરિવારનું રક્ષણ કરવા માટે સ્મૃતિકારોએ વિવિધ શાંતિ પ્રયોગો આપેલા છે.
અહીં વિષયાંતરનો દોષ સ્વીકારીને પણ શાસ્ત્રોક્ત રીતે જરૂરી શાંતિકર્મની યાદી આપીએ છીએ. જેમ કે, બાળકોનોવૈધૃતિ, ગંડ, વ્યતિપાત, ચતુર્દશી, અમાવાસ્યા, મૂળ, આશ્ર્લેષા, મઘા, જ્યેષ્ઠા આદિ નક્ષત્ર / યોગમાં જન્મ થવો તે જ પ્રમાણે રજોદર્શન શાંતિ કે ભુવનેશ્વર શાંતિ કરાવવી જોઇએ.
આપણે ત્યાં દીકરીનું પ્રથમ રજોદર્શન ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરે થાય છે છતાં તે આનુવાંશિકતા, વાતાવરણ, ખોરાક, વ્યવસાય વગેરે બાબતો ઉપર આધારિત છે. આથી જો પ્રથમ રજોદર્શન જેઠ, અષાઢ, ભાદ્રપદ, કાર્તિક અને પોષ એટલા મહિનામાં એકમ, ચોથ, નોમ અને ચૌદશ એ રિક્તા તિથિઓમાં તથા છઠ આઠમ, બારસથી પૂનમ આટલી તિથિઓમાં રવિ, મંગળ એટલા વારોમાં ભરણી, કૃતિકા,આદ્રા, આશ્ર્લેષા , મઘા, પૂર્વા ફાલ્ગુનિ, પૂર્વા અષાઢા, પૂર્વા ભાદ્રપદ, વિશાખા અને જ્યેષ્ઠા એટલા નક્ષત્રોમાં વિષ કુંભ, ગંડ ,અતિ ગંડ, વ્યાઘાત, વ્યતિપાત અને વૈધૃતિ એ યોગોમાં ગ્રહણની રાત્રિએ કે સાંજના સમયમાં થયું હોય તો એ અશુભ છે. માટે તે અશુભ ફળની નિવૃત્તિ માટે નારદ સ્મૃતિ પ્રમાણે રજોદર્શન કે ભુવનેશ્વરી શાંતિ કર્મ કરાવવું અતિ આવશ્યક છે, એવો શાસ્ત્ર મત છે.
આ પ્રમાણે પ્રથમ રજોદર્શન સમયે પાંચમા દિવસે શાંતિ કર્મ કરાવવું જોઇએ. છતાં ન થઇ શકે તો બીજા રજોદર્શનમાં સારા જાણકાર બ્રાહ્મણ દ્વારા કરાવી લેવું જોઇએ જેથી ભાવિ જીવનમાં અનુકૂળતા રહે.
ગર્ભાધાન સંસ્કારઃ-
ગર્ભાધાન બે શબ્દોનને જોડીને બનાવાયો છે. એટલે કે, ગર્ભ + આધાન કે જ્યાં આધાનનો અર્થ સ્થાપિત કરવું કે રાખવું / મૂકવું એવો થાય છે. આ પ્રકારે ગર્ભાધાનનો શાબ્દિક અર્થ પુરૂષ દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં બીજરૂપ શુક્રાણુઓ સ્થાપિત કરવા. અહીંયા રજોદર્શન શાંતિ એ ક્ષેત્ર શુદ્ધિ રૂપે છે અને ગર્ભાધાન સંસ્કાર એ બીજ શુદ્ધિ રૂપ છે. માટે ક્ષેત્ર અને બીજ બંનેની શુદ્ધિ દ્વારા ઉત્તમ પરિણામ કે સંતાન પ્રાપ્ત થાય છે. આ સંસ્કાર જાતકના જન્મ પૂર્વેનો સંસ્કાર છે અને તેને સ્વતંત્ર સંકારની કક્ષામાં મૂકવામાં ધર્મશાસ્ત્રીઓનો હેતુ એ છે કે, આરોગ્ય અને ધર્મના નિયમોને અનુસરીને સુસંતાન દંપતિ પ્રાપ્ત કરે માટે ગર્ભાધાન એ ગર્ભ સ્થિરપણ ધારણ થાય તે માટેનો શાસ્ત્રાનુસાર વિધિ પણ થાય કે જેના માટે રજોદર્શનના ચોથા દિવસ પછીથી જ ૧૬માં દિવસ સુધીનો સમયગાળો સારો ગણાય છે.
ઉત્તરા ફાલ્ગુની , ઉત્તરા સાઢા અને ઉત્તરા ભાદ્રપદ, મૃગશીર્ષ, હસ્ત, અનુરાધા,રોહિણી, સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા અને શતવિસા નક્ષત્રોમાં બીજ, ચોજ , છઠ, સાતમ, નોમ, બારસ, ચૌદસ, પૂનમ અને અમાસ તેટલી તિથિઓ સિવાયની તિથિઓમાં રવિવાર, મંગળવાર અને શનિવાર સિવાયના વારોમાં માતા-પિતાની મૃત્યુ તિથિ અને ગ્રહણના દિવસો સિવાય ટૂંકમાં પંચાંગના શુદ્ધ દિવસોમાં આ સંસ્કાર કરવા જોઇએ.
વિશેષ નોંધઃ- જો જાણતલ વ્યક્તિના માર્ગદર્શન સાથે સાચી રીતે કરવામાં આવે તો આ સંસ્કરણને અત્યારના આઇ.વી.એફ.ના પૂર્વજ સમાન સમજી શકાય.
પુંસંવનન સંસ્કારઃ-
ગર્ભાધાન પછીનો આ પહેલો સંસ્કાર છે અને જન્મ પૂર્વેનો આ સંસ્કાર છે. પુંસંવનન શબ્દની વ્યાખ્યા બે રીતે થાય છે. એટલે કે, ગર્ભમાં જીવ કિંચીત સંવન- સ્પંદન, ગતિ, હલન-ચલન વગેરે કરવા લાગે ત્યારે આ સંસ્કાર કરવો જોઇએ. જ્યારે બીજા મતે આ સંસ્કાર પહેલા જ થઇ જવો જોઇએ. એટલે કે, બીજે કે ત્રીજે માસે જ્યારે ખબર પડે ત્યારે આ સંસ્કાર કરવો જોઇએ. કારણ કે, ચાર માસ સુધી ગર્ભમાં સ્ત્રી પુરૂષનો ચિન્હ ભેદ જોઇ શકાતો નથી.
"પુમાન સૂયતે યેન કર્મણા તદિદં પુંસંવનનમ્ " – જે કર્મથી પુત્ર જન્મ થાય તે ગર્ભ સંસ્કારને પુંસંવનન કહે છે. પુંસંવનન ખાસ કરીને ગર્ભની રક્ષા માટે છે. કેમ કે, ખાસ કરીને ત્રીજે, ચોથે અને આઠમે માસ ગર્ભપાતની આશંકા વિશેષ રહે છે. આ સંસ્કારથી બાળકના અન્નમય અને પ્રાણમય કોષ સર્જાય છે અને બંન્નેનું અનિષ્ટોથી રક્ષણ થાય છે.
ધર્મસિંધુના મત પ્રમાણે પુંસંવનન સંસ્કાર ગર્ભસ્થ સંસ્કાર હોવાના કારણે પ્રત્યેક ગર્ભાવસ્થા પર કરવું જોઇએ. ત્યારે કેટલાક આને માતૃક્ષેત્રની શુદ્ધિ ગણે છે અને પહેલી ગર્ભાવસ્થા સમયે કરવાનું જરૂરી માને છે.
આ સંસ્કારનો મુખ્ય હેતુ ગર્ભનું રક્ષણ કરીને તેને પુષ્ટ બનાવીને ગર્ભપાત સામે રક્ષણ આપવાનો છે.
સીમન્તો ન્નયન સંસ્કારઃ-
સીમન્તો ન્નયન એ સીમન્ત અને ઉન્નયન એ બે શબ્દોની સંધિ જોડવાથી બનેલો છે.
સીમન્ત એટલે કેશ શૃંગાર, વાળને ઓળીને તેમાં સેથો પાડવો તે. સીમન્તનું ઉન્નયન એટલે વાળને ઊભા ઓળીને તેમાં સેથો પાડવાની સંસ્કાર વિધિ. સ્ત્રીને પ્રિય એવો કેશ શૃંગાર, વસ્તાલંકારની સજ્જા વગેરે આ સંસ્કારના મુખ્ય અંગ છે. ટૂંકમાં આ શૃંગારપ્રધાન સંસ્કાર છે.
સુશ્રુત સંહિતામાં બતાવ્યા પ્રમાણે ગર્ભધાન પછી ગર્ભના વિકાસના પ્રથમ માસે ગર્ભ કવચ બને છે અને તેમાં વીર્ય-રજના કણો સુરક્ષિત રહે છે. બીજા માસે પંચમહાભૂતોના અંણુઓ પવનને લીધે ભેગા થઇ ઠંડી-ગરમીને લીધે પક્વ થાય છે અને શરીરનું નાનું રૂપ જે સ્પષ્ટ રીતે વ્યક્ત થતું નથી તેવું ઉત્પન્ન થાય છે. આ શરીર સમગ્ર શરીરનો પિંડ હોય તો પુરૂષ બાળક અને માત્ર માંસ પેશીઓ જ હોય તો સ્ત્રી બાળક અને માંસનો લોચો હોય તો નપુંસક બાળક જન્મે છે. આ જ કારણે ધર્મ-શાસ્ત્રોએ ગર્ભ રહ્યા પછીના બીજાથી ચોથા મહિના દરમિયાન પુંસંવનન સંસ્કાર કરવાનું કહેલ છે અને તેમાં વડવાઇની કૂંપળો, સોમવલ્લી વગેરેના રસના ટીપાં નાકમાં નાંખવાનું વિધાન છે. હવે વિકસતો ગર્ભ ત્રીજા મહિને સર્વ અંગવાળો બને છે અને ચોથા મહિને તેમાં હૃદય એટલે ભાવ તંત્ર શરૂ થાય છે. રક્ત તંત્રની શરૂઆત પણ ચોથા માસથી શરૂ થાય છે અને ચેતના તંત્ર પણ કામ કરવા લાગે છે. કે જેથી ગમા-અણગમા, સ્વાદ-અસ્વાદ પ્રત્યે સભાન બને છે. ટૂંકમાં બાળકની જ્ઞાનેન્દ્રિયો કામ શરૂ કરી દે છે. તેથી ગર્ભને ચાર માસ થયા હોય તેવી ગર્ભિણી સ્ત્રીને દ્વિહૃદયા – બે હૃદયવાળી કહેવામાં આવે છે. આવનાર બાળકના ઉરતંત્રનો વિચાર કરીને શાસ્ત્રોકારોએ અને આયુર્વિદોએ દ્વિહૃદયા નારીની ઇચ્છાઓ પુરી કરવાનું વિધાન કરેલ છે. દો હદ એ દ્વિહૃદયપણું છે, કે જેમાં ગર્ભની અને ગર્ભિણીની ઇચ્છાઓનો સમાવેશ થાય છે. આથી દોહદની ઉપેક્ષા કરવાથી આવનાર બાળકના શરીર, મન, બુદ્ધિ વગેરેને ખાસ અસર થાય છે. માટે દોહદને ખાસ પ્રસન્ન રાખવી, તેને ગમતા આહાર-વિહાર, વસ્ત્રાલંકાર, વાતાવરણ વગેરેનેા ખાસ ખ્યાલ રાખવો જોઇએ. આ માટે સીમંતો ન્નયન સંસ્કાર વિધિ છે કે જેમાં બધી બાબતોનો નિર્દેશ છે.
જ્ઞાતિ અને પરિવારની પરંપરા પ્રમાણે કે રીતિ-રિવાજ મુજબ આ સંસ્કાર થતા હોય છે. વસ્તુતઃ સીમંતોન્નયન સંસ્કાર ગર્ભિણીના મનને પ્રસન્ન રાખવાના પ્રયત્નોનું પ્રતિક છે અને માત્ર આ એક દિવસ પુરતુ નહીં પણ ચોથા માસથી શરૂ કરીને પ્રસુતિ પછી પત બાળક સ્તનપાન છોડે નહીં ત્યાં સુધી સ્ત્રીને સ્વસ્થ શરીર, ઉર તંત્રવાળી, પ્રસન્ન મનવાળી રાખવાનો મનોયોગ પૂર્વકના પ્રયત્નો ચાલુ રહે એ વાત આ સંસ્કારની ઉજવણીથી સમજવાની છે.
આઠમા માસથી ગર્ભસ્થ શિશુમાં ઓજ એટલે આંતરિક શક્તિ અને રૂપનું તેજ ઉત્પન્ન થાય છે. તેથી કરીને ૬ઠૃા કે ૮મા માસે આ સંસ્કાર થાય છે. આ સંસ્કારમાં માનવવંશ શાસ્ત્રનો વિચાર છે, કેમ કે, ગર્ભસ્થ શિશુ પ્રસન્ન રહે તો દીર્ધાયુ થાય. સ્ત્રી સફલગર્ભાને બહુ સંતતિવાળી થાય જેથી વંશની વૃદ્ધિ થાય.
ગર્ભાધાન, પુસંવનન અને સીમંતોન્નયન એ ત્રણેય પ્રસુતિ પૂર્વેના સંસ્કાર છે અને વસ્તુતઃ બધામાં ગર્ભિણી અને ગર્ભ એમ બંનેનો વિચાર કરાયેલો છે. તેમાંના કેટલાક વિધિ પણ બંને માટેના છે. તેથી આ ઊભયના સંસ્કાર છે.
આમ આ ત્રણેય સંસ્કારો માતા અને બાળકના આધ્યાત્મિક અભ્યુદય અને ભૌતિક રક્ષણ માટેના છે.
આ સીમંતોન્નયન પ્રાગ વૈદિક સમયનો સંસ્કાર વિધિ લાગે છે. કારણ કે, સામવેદના મંત્ર બ્રાહ્મણમાં સીમંત માટે જે મંત્ર બતાવેલો છે તેમાં સીમાનં નયતિ અને તેના હમસ્યૈ સમાનં નયામિ એમ સંસ્કાર વિધિમાં સેથો પાડવાનો ઉલ્લેખ છે. આથી પ્રાગ ઐતિહાસિક કાળથી ગર્ભ અને ગર્ભિણીનું મહત્વ સ્વીકારાયેલું છે. માત્ર જુદી જુદી વેદ શાખાઓને લીધે મંત્રો જુદા જુદા વપરાય છે.
અંતે આપણા જ્ઞાતિગત રિવાજો પ્રમાણે આ સંસ્કાર વિધિ આપણે કરતા નથી. છતાં જાણવા અને સમજવા માટે અને સંસ્કારપૂર્તિ માટે અહીંયા માહિતી આપેલ છે.
જાતકર્મ સંસ્કારઃ-
જાત એટલે જન્મેલું બાળક. એને કરવાનો સંસ્કાર તે જાતકર્મ સંસ્કાર. બીજી રીતે જન્મ સમયે કરવાનો હોવાથી પણ આને જાતકર્મ સંસ્કાર કહે છે અને તે નાળ છેદન પૂર્વે કરવાનો હોય છે.
જાતકર્મથી ચૌલકર્મ સુધીના સંસ્કારો સમયે બાળક નાનું હોય અને સંસ્કારો પણ બાળકના જ હોય છે. પણ પાલક તરીકે માતા-પિતા બાળક સાથે આ સંસ્કારો કરે છે.
બાળકના જન્મ સમયે તેનું નાળ છેદન ન થયું હોય ત્યાં સુધી જનાનાશૌચ- બાળકના જન્મના લીધે લાગતું સૂતક – વૃદ્ધિસૂતક લાગતું નથી. આશૌચ અશુદ્ધિમાં ધાર્મિક ક્રિયાઓ ન થાય. અશુદ્ધિ બે પ્રકારની છે. બાળકના જન્મને લીધે લાગતું આશૌચ એટલે કે જનાનાશૌચ કે વૃદ્ધિસૂતક છે. સૂતક એટલે જન્મ કે મૃત્યુ સમયની અશુદ્ધિને લીધે લાગતું અશૌચ અને વૃદ્ધિસૂતક એટલા માટે કે, બાળકના જન્મથી પરિવારમાં વૃદ્ધિ થઇ તેનું સૂતક. બાળકના જન્મ પછી પ્રસૂતા અશુદ્ધ હોય તેને ૧૦મા દિવસે શુદ્ધિનું સ્નાન કરાવાય પછી જ ધાર્મિક કાર્યો કરાય. કારણ કે, ઘરની અશુદ્ધિ દૂર થઇ ગઇ છે. બીજું સૂતક મરણશૌચ કે મરણ સૂતક. લોક વ્યવહારમાં મરણશૌચને સૂતક કહેવામાં આવે છે, પણ વસ્તુતઃ મરણશૌચને સૂતક ન કહેવાય. કારણ કે, પોતાના કૂળનું કોઇ મરણ પામે તેથી લાગતું અશૌચ એ મરણશૌચ.હવે અશૌચ શબ્દનો અર્થ છે- અશૂચિતા, અપવિત્રતા જન્મ કે મરણ પ્રસંગે અશુદ્ધિઓ અનેક પ્રકારની પ્રવર્તતી હોય છે.
જનાના શૌચમાં પ્રસુતિની અશુદ્ધિ એ બાહ્ય અશુદ્ધિ છે. કૂળ જનોના મનમાં હર્ષનો ભાવાતિરેક થાય એ પણ મનની સાત્વિક અશુદ્ધિ છે. મરણમાં શોકની લાગણીની અશુદ્ધિ અને મૃતકના રોગ વગેરેની રોગયુક્ત વાતાવારણની અશુદ્ધિ એમ બે પ્રકારની અશુદ્ધિઓ હોય છે.
નાળ છેદન પહેલાં અશૌચ ન લાગે તેથી જાતકર્મ વિધિ કરી શકાય. જો કોઇ પણ કારણસર જન્મ સમયે આ વિધિ ન થઇ હોય તો ૧૦માં દિવસે સૂતિકા સ્નાન કરી પવિત્ર થાય એટલે વૃદ્ધિસૂતક પૂરૂં થયેલું ગણાય. ત્યારે નામકરણ સંસ્કાર પહેલાં આ વિધિ કરવી જોઇએ.
આ વિધિ બાળકના પિતાએ કરવાની હોય છે. તેમાં મુખ્યત્વે મેઘાજનન મંત્ર અને આયુષ્ય મંત્રના જાપ મુખ્ય હોય છે. જન્મેલું બાળક પૂર્ણ આયુષ્ય ભોગવે તે માટે દેવોને પ્રાર્થના કરવી તે આયુષ્ય મંત્ર જાપ છે અને બાળકની બુદ્ધિ વિકાસશીલ રહે તે માટેની વિધિને મેઘાજનન કહેવાય. અહીં મેઘા એટલે જે કાંઇ જોયું, વાંચ્યું, સાંભળ્યું, સમજ્યું તે બધાને તેવા જ સ્વરૂપે અસ્ખલિત રીતે સ્મૃતિમાં સંઘરી રાખે તેવી બુદ્ધિ. આ હેતુથી જન્મ સમયે પિતા અને ઉપનયન પછી આચાર્ય મેઘાજનન વિધિ કરાવે છે અને તેમાં ઔષધોનો પણ ઉપયોગ થાય છે. જન્મેલ બાળકને સોનાની સળી ઉપર રહે તેટલું ઘી મેળવેલ મધ ચટાડાતું અને આચાર્ય બટુકને વચા એટલે ઘોડાવજ અને વસુ એટલે અગથિયો વગેરે સ્મૃતિજનક નિર્દોષ ઔષધોનો ઉપયોગ કરાય.
ષષ્ઠી કે માર્કંડેય પૂજનઃ-
ષષ્ઠી પૂજન એ સંસ્કાર નથી. બાળકના જન્મ પછીની છઠૃી રાત્રિએ વિધાત્રિ દેવી આવીને બાળકના ભાવિના લેખ લખી જાય છે, તેવી એક માન્યતા છે. આપણા વૈદિક ધર્મમાં પુનર્જન્મની માન્યતા છે, તે પ્રમાણે પૂર્વ જન્મના કર્મો મુજબ નવો જન્મ અને તેની સાથે સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. આ રીતે બાળકના ભાવિ લેખ લખવા વિધાત્રિ દેવી બાળકના જન્મ પછી છઠૃી રાત્રિએ બાળક પાસે આવી ભાવિ લેખ લખે