“ચોઘડિયાંનું ગણિત અને લૉજિક”
‘ચોઘડિયાંનું ગણિત અને લૉજિક’ મારા સમજવામાં કદી આવ્યું જ નથી અને આવવાનું પણ નથી!
આજથી દસેક વર્ષ પહેલાં, એક વખત મહેસાણા જિલ્લાનાં કોઇ અંતરિયાળ ગામડાં પાસેથી પસાર થતાં મેં મારી કાર થોભાવી અને સાંકડા માર્ગની એક તરફ આવેલાં પાણીથી ભરપૂર એવાં તળાવનાં કિનારે કપડાં ધોતી ગ્રામ્ય સ્ત્રીઓ, નહાતાં-કિલ્લોલ કરતાં બાળકો, થોડે દૂર તરતું ડૂબકીમાર બતકોનું નાનું વૃંદ, બગલાં અને બીજાં સુંદર પક્ષીઓ સાથેનું નયનરમ્ય દ્રશ્ય કેમેરામાં ઝડપી લેવા હું નીચે ઊતર્યો. થોડી જ વારમાં લગભગ ૧૫૦ જેટલાં બકરાં સાથે એક ભરવાડ ત્યાંથી પસાર થયો, આ ટોળાંમાં આગળ લગભગ ૩૦-૪૦ ઘેંટાં હતાં અને આખો માર્ગ એ પશુઓથી છલકાઇ ગયો. મેં એ હસમુખા ભરવાડને પૂછ્યું, “બકરાંનાં ટોળાંમાં આગળ ઘેંટાં કેમ છે?”
“હોવે, બર્યોં બકરોંને બઉ હોંકવાની ઝરુર નો પડેને, યેટલે?”, સસ્મિત ત્વરિત અને સાહજીક ઉત્તર મળી ગયો!
મારાં મગજમાં બત્તી થઇ, “ઓ હો, આ તો ગાડરિયો પ્રવાહ!”
આપણા દેશનાં લોકો પણ આવાં જ છે ને? લાગણીશીલ, રૂઢિચુસ્ત પણ સગવડિયા ધર્મવાળા અને પેલાં ઘેંટાં જેવાં – આગળનું ઘેંટું જ્યાં જાય ત્યાં પાછળ બધાં જ વગર વિચારે ઢસડાય. એક ઘેંટાં પાછળ બીજાં ઘેંટાં તો હેંડે રાખે, પણ પેલાં બકરાંઓ પણ આંખ મીંચીને દોરવાયાં કરે, એવું પેલો અભણ ભરવાડ મને શીખવી ગયેલો. સાચે જ, આપણા દેશમાં લોકોને સવાલો કરતાં અને પૂછતાં જ નથી આવડતું, “ક્યારે કરવાનું?” અને “કેવી રીતે કરવાનું?” – આ બે જ સવાલો હું દિવસભર અનેક વખત સાંભળતો રહું છું, પણ ભાગ્યે જ કદી કોઇ પૂછે છે, બલ્કે કોઈ પૂછતું જ નથી, “શા માટે કરવાનું?” – આનું નામ જ ‘आगे से चली आती है’ અને ‘ગાડરિયો પ્રવાહ’!
બસ, પેલું ચોઘડિયાંનું પાલન અને અનુકરણ પણ ગાડરિયા પ્રવાહ જેવું જ છે – ‘કોઇકે કહ્યું અને બધા કરે છે એટલે આંખ મીંચીને કરે રાખો’. મારે આજે એની જ વાત કરવી છે…
પહેલો જ પ્રશ્ન, “શા માટે વર્ષનાં પ્રત્યેક વારનાં ચોઘડિયાં સમાન જ હોય?” અર્થાત્ “શું વર્ષનાં તમામ રવિવાર ચોઘડિયાંની દ્રષ્ટિએ સમાન જ હોય? શું તમામ મહિનાઓ, વર્ષોનાં બધા જ રવિવાર સરખાં જ?
‘ચોઘડિયાં’ એટલે ‘ચો-ઘડીયા’, ‘ચાર ઘડી’, જે શબ્દનું અપભ્રંશ થઇને ‘ચોઘડિયું’ થઇ ગયું. હિંદુ ધર્મમાં કોઈ પણ સારા કામનો પ્રારભ ‘ચોઘડિયાં’ જોઈને કરવામાં આવે છે. દિવસ અને રાત્રીના ‘ચોઘડિયાં’ની શરૂઆત સૂર્યોદય અને સૂર્યાસ્ત મુજબ થાય છે. ‘ચોઘડિયાં’ ત્રણ પ્રકારના હોય છે, શુભ, મધ્યમ અને અશુભ. શુભ ‘ચોઘડિયાં’ એટલે શુભ, અમૃત, લાભ તથા મધ્યમ ‘ચોઘડિયું’ એટલે ચલ, અશુભ ‘ચાેઘડિયાં’માં ઉદ્વેગ, કાળ, રોગનો સમાવેશ થાય છે. ‘ચોઘડિયાં’ને બદલે ઘણા ‘હોરા’ પણ કહે છે.
પ્રશ્ન એ છે કે, કોઇપણ વારનાં ‘ચોઘડિયાં’ સમાન કેમ હોય? મેં દિવસભર ઘણું સંશોધન કર્યું અને અજબ વાતો જાણવા મળી…
એક ‘ચોઘડિયું’ લગભગ દોઢ કલાકનું હોય છે. એટલે આશરે ૯૦ મિનીટ. ઘડિયાળની શોધ થયા પહેલાના સમયમાં ‘ઘડી’ એક માપ હતું. ૧ ઘડી એટલે આજની ૨૪ મિનીટ. દિવસના ‘ચોઘડિયાં’ની શરૂઆત સવારે ૬:૦૦ વાગ્યાથી થાય અને પહેલું ‘ચોઘડિયું’ ૭:૩૦ વાગ્યે પૂરું થાય, પછી બીજું ‘ચોઘડિયું’ ચાલુ થાય. રાત્રીના ‘ચોઘડિયાં’ પણ આજ રીતે સાંજે ૬:૦૦ વાગ્યાથી ચાલુ થાય. દરેક વાર મુજબ શરૂઆત અલગ-અલગ ‘ચોઘડિયાં’થી થાય.
જે વાર હોય તે દિવસના ‘ચોઘડિયાં’ની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય. દરેક વારનું પ્રથમ ‘ચોઘડિયું’ અને સ્વામી આ મુજબ છેઃ
અહીં સુધી તો ઠીક, પણ બીજો પ્રશ્ન, “ભારતમાં પ્રચલિત જ્યોતિષશાસ્ત્ર તો વૈદિકકાળથી ચાલ્યું આવે છે, વળી અઠવાડિયાનાં વારની ગોઠવણી ક્યારથી થઇ?”
જવાબ મેળવવા મારે ભારે જહેમત ઊઠાવવી પડી અને સાચો પ્રમાણિત જવાબ મળતાં જ ‘ચોઘડિયાં’ પરની વિશ્વસનીયતા પર હમેશ માટે ચોકડી વાગી ગઇ!