સાદા અને સસ્તા લગ્ન કેવા હોય ?
આજથી ઘણા વર્ષો પહેલાં પટેલ (કણબી)ને ત્યાં ગામડાંમાં ગાડા જોડીને ર૫,૩૦ કે વધુમાં વધુ ૫૦, ૬૦ માણસની જાન જતી. નાની ઉંમરેય લગ્ન થતા, દીકરાના બાપને દેશ ભરવો પડતો. ક્યાંક વળી દીકરીના બાપને દહેજ આપવાનો રીવાજ હતો, ઘરેણાં, ગાંઠા, કપડાં બધું મર્યાદિત અને સાદું હતું. પછીથી આણાની પ્રથા હતી. ઘર પ્રમાણે વરો થાય, જાન બે ચાર દિ રોકાય. સમય જતાં દિવસો ઘટયા, બે ખર્ચ થયા, તેમાંથી એક ખર્ચ થયો, દિવસને રાતના લગ્ન સમય ઘટ્યો, ખર્ચ વધ્યો. શહેરીકરણ થતા શહેરમાં થતા લગ્નની જેમ ગામડામાં થતા લગ્નમાં પણ ખર્ચ વધ્યા. પ્રથમ દિવસ મંડપ, વચ્ચેના દિએ જમણવાર, ગરબા (પાછળતી ઉમેરાય) આ પરંપરામાં ગુજરાતમાં પાટીદાર કે અન્ય જ્ઞાતિમાં આજ પેટર્નમાં મોટાભાગના લગ્ન થાય. સમય બદલાયો, દેખાદેખી વધ્યા, આર્થિક ક્ષમતા ધરાવનાર લોકોએ લગ્નને ખર્ચાળ બનાવ્યા, અને આ બધું જોઈને નાના અને મધ્યમવર્ગના વ્યક્તિઓ માથે દેવું કરીને પણ લગ્નમાં દેખાડો કરવાના રવાડે ચડ્યા. આના માઠા પરિણામ પણ સમાજે ભોગવ્યા છે, અને ભોગવી રહૃાાં છે.
હવે લગ્ન એક બે દિવસના હોય છે. પણ ખર્ચ લાખો ને કરોડોમાં થાય છે. અનાજનો બગાડ અને કુરિવાજોને પ્રોત્સાહન આપતા લગ્નએ આર્થિક માપદૃંડનું માધ્યમ બનતું જોય છે.
અમુક સમયે કેટલાક વિચારશીલ જ્ઞાતિ આગેવાનોને ચિંતા થઈ અને સમૂહલગ્નનો વિચારઆવ્યો. અમલ થયો, બધી જ જ્ઞાતિને લાગ્યું કે સારી યોજના છે. સુરત જેવા શહેરમાં સાદાઈથી તદ્દન ઓછા ખર્ચે લગ્ન માટે આર્ય સમાજ પદ્ધતિથી પટેલો લગ્ન કરતાં થયા, પરંતુ જેના માટે, જે સમૂહ માટે સમૂહ લગ્ન અને આર્ય સમાજની લગ્ન યોજના લાવવામાં આવી તે બધા સામાન્ય વર્ગના પરિવારોએ આજેય જમણવાર, મામેરૂ, વરઘોડો જેવા કુરિવાજો ચાલુ રાખ્યા છે. સમૂહલગ્ન એ કરિયાવર મેળવવા માટેનું માધ્યમ બન્યું છે. અને આર્ય સમાજમાં જગ્યા મળી રહે તે માટે લગ્ન રાખવા માંડ્યા, ઘેર જઈને બધો જ ખર્ચ કરે છે. સમાજને તો બે બાજુથી માર પડી રહૃાો છે, પરંતુ આ બંનેના આયોજકો પાસે આ પ્રજાને કન્ટ્રોલ કરવાનો કોઈ ઉપાય દેખાતો નથી.
હવે સમૂહ લગ્ન એ સમાજિક રાજકીય પ્લેટફોર્મ બનતું જાય છે. સમાજના અને સામાન્ય માણસના પૈસા બચાવવાનો હેતુ ક્યાં માર્યો જતો હોય તેમ લાગે છે. હવે તો લગ્ન ફરી પાછા બે કે ત્રણ દિવસના થવા માંડ્યા છે. એક દિવસ ઓછો પડે છે. ફરી પાછુ મંડપ, ગરબા, ભોજન, લગ્ન, રિસેપ્શન અથવા વરવિવાહ ખર્ચ વધી રહૃાાં છે. સમજણના અભાવે લોકો દેખાદેખી અને પેલા અને છેલ્લા લગ્નના બહાને ખર્ચ કરે છે, દેવું કરે છે.
લાખ બે લાખથી માંડી બે પાંચ કરોડ સુધીના લગ્નની વચ્ચે અમદાવાદમાં ૭૦ વર્ષ જૂની કડવા પાટીદારની સંસ્થા ધરતી વિકાસ મંડળે સાદા લગ્ન યોજના દ્વારા માત્ર ૧૧,૫૦૦માં લગ્ન કરવાની યોજના ઘણાં વરસોથી અમલમાં મૂકી છે. વર અને કન્યા પક્ષ બંનેએ અહીં આ સંસ્થામાં રૂા.૧૧,૫૦૦ +૧૧,૫૦૦ = ર૩૦૦૦ ભરવાના થાય. સવારે ઘેર મંડપ નાંખી અહીં સંસ્થાના હોલ ઉપર આવી જવાનું તોડા સમય પછી જાન આવે. બંને પક્ષના ર૦૦ વ્યક્તિ આવી શકે છે. જાન આવે ત્યાંથી માંડી દીકરીને વળાવો ત્યાં સુધીની તમામ વિધિ બ્રાહ્મણ સંસ્થાના ખર્ચે જ કરાવે. ચા, પાણી, પૂર્ણ ભોજન વ્યવસ્થા, હોલ અને તમામ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. શરત એટલી છે કે ફટાકડા ફોડવાના નહીં, વરઘોડો નહી, મંડપમાં કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર નહીં. માત્ર આશીર્વાદ આપવાના, આટલી સુંદર વ્યસ્થા મિઠાઈ, ફરસાણ સાથેનું ભોજન, સંપૂર્ણ પૂજા સામગ્રી અને બ્રહ્મણ પણ સંસ્થા તરફથી. બહારગામના કોઈ વ્યક્તિઓ આવે તો ૮૦થી ૧૦૦ માણસને રહેવાની સરસ સુવિધા મળે છે. ઓછા ખર્ચમાં ત્યાંજ બનેલા બીજા બિલ્ડિંગમાં જગ્યા મળે. બોલો શા માટે દેવું કરીને લગ્ન કરવા જોઈએ?
સાભાર....... http://jaihinddaily.in