મોટાભાગે, આપણે સહુ માનીએ છીએકે, સંસારમાં, `એક કરતાં બે ભલા?` આથી કદાચ, `बहुतंतवो बलवंतः ।` ઉક્તિને સત્ય ઠેરવવા કાજે, લગ્નસંસ્થા અમલમાં આવી હશે..!! આમેય, લગ્ન વયસ્ક કુમાર-કન્યાનાં માતાપિતા-વડીલોના ભાલે ચિંતાની રેખાઓ અંકિત થતી જોઈને, જેતે કુટુંબમાં લગ્ન ઉકેલવા અંગેની ઉતાવળી સ્થિતિ પરખાઈ જતી હોય છે ત્યારે, વૈદિકકાળમાં પણ કન્યા જ્યારે પુખ્ત ઉંમરની થતી ત્યારે લગ્ન કરવામાં આવતાં. કન્યા માટેના ઉમેદવાર કન્યાની માગણી કરતા અને કન્યાનો પિતા પોતાની ઇચ્છા પ્રમાણે કન્યાને આપતો. તે સમયે કન્યાને પિતા તરફથી બળદ, ઘોડા ઇત્યાદિનો દાયજો આપવામાં આવતો હતો. લગ્નને લાયક પુખ્તવય અંગેના મતમતાંતર અંગે પૂજ્ય મહાત્મા શ્રીગાંધીબાપુ કહેછેકે," હિંદુ શાસ્ત્રાનુસાર છોકરાને વહેલામાં વહેલો ૨૫મે વર્ષે પરણાવી શકાય. જોકે, હિંદુસ્તાનની માતાઓને સૂઝી જાય છેકે, હિંદુસ્તાન ઉષ્ણ દેશ હોવાથી, આપણે ત્યાંની છોકરીઓ,વહેલી વયમાં આવે છે. આથી વધારે મોટો બીજો કોઈ વહેમ મેં જોયો નથી. આ વહેમમાંથી આપણે એકદમ ઊગરી જવું જોઈએ. હું હિંમતથી કહું છુંકે, હવાપાણીને યુવાવસ્થાની જોડે કશી લેવા દેવા નથી. અકાળે જુવાની આવી જાય છે તે આપણાં કુટુંબોમાં આજે જે માનસિક અને નૈતિક વાતાવરણ પ્રવર્તે છે તેને કારણે છે."
આમ તો લગ્નની સર્વસામાન્ય શાબ્દિક વ્યાખ્યા મુજબ, લગ્ન = સંમિલન, સંયોજન, એકીકરણ, ઉભયાન્વય, યુતિ, લગ્ન, દાંપત્ય, યુગલરૂપ સંયુતાર્થ, સાહચર્ય, સહઘટન, અથવા સંમતિ. પરંતુ, આ તમામ જીવનપ્રક્રિયા તેના યોગ્ય સમયેજ શોભતી હોય છે કદાચ એટલેજ, કહેવાય છેકે, "લગ્નનાં ગીતો લગ્ને જ શોભે..!!" જાણવા જેવું છેકે, ગૌતમ ધર્મસૂત્ર પ્રમાણે લગ્નના આઠ પ્રકાર છેઃ બ્રાહ્મ, આર્ષ, પ્રાજાપત્ય, દૈવ, ગાંધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ. જોકે, પ્રાજાપત્ય તે, બ્રાહ્મવિવાહનું વધારે સંસ્કારી સ્વરૂપ મનાતું હોવાથી, હિંદુઓમાં ઓછાવત્તા ફેરફાર સાથે પ્રાજાપત્ય વિવાહ પ્રચલિત છે. જેમાં, વરકન્યાનાં માબાપ સંબંધ નક્કી કરે છે. ઉપરાંત, લગ્ન થતાં પહેલાં વરકન્યાની અરસપરસ પસંદગી પણ કરવામાં આવે છે. કન્યાના પિતા, કન્યાદાનમાં કન્યાને યથાશક્તિ રકમ અને ઘરેણાં આપે છે અને વરપક્ષ તરફથી કન્યાને રિવાજ મુજબ પલ્લાંની રકમ પણ આપવામાં આવે છે, જેના ઉપર કન્યા સિવાય બીજા કોઈનો પણ હક્ક સ્વીકારાતો નથી. કન્યાદાનમાં રકમ, વાસણ, ઘરેણાં, સુશોભિત કપડાં આપવામાં આવે છે. એમાં વરકન્યા સપ્તપદી ભણે છે અને અગ્નિ સમક્ષ લગ્ન થાય છે. આમતો, હાલના આધુનિક જેટ યુગમાં, જ્ઞાતિ-જાતિના બંધનો ફગાવી દઈને, જેને પ્રેમલગ્નનું રૂપાળું નામ અપાય છે તેવા, `ગાંધર્વ વિવાહ` પણ અધિક પ્રમાણમાં પ્રચલિત થયા છે, જે બહુ રોમાંચક મનાય છે. ગાંધર્વ વિવાહમાં માબાપની સંમતિ માગવામાં આવતી નથી. ખાસ કોઈ લગ્નક્રિયા કરવામાં આવતી નથી, તેમજ સમાજ સમક્ષ તેની ખાસ જાહેરાત થતી નથી. એનું મુખ્ય તત્ત્વ વરકન્યાની અરસપરસ સંમતિ કહી શકાય. એકબીજાને ફૂલહારનું અર્પણ અને પરસ્પરને વફાદાર રહેવાનું વચન એટલી જ લગ્નક્રિયા ગાંધર્વવિવાહ માગે છે એમ કહી શકાય. આવા લગ્નને પૂર્ણ પ્રેમલગ્નનું નામ આપીએ તોપણ ચાલી શકે..!!
મહાભારત આદિપર્વમાં એની કથા છેકે, સોમવંશી પુરુકુલોત્પન્ન દુષ્યંત રાજા મૃગયા કરતો હતો ત્યાં તેણે ત્યાં શકુંતલાને એકલી જોઈ અને તે અત્યંત સ્વરૂપવતી હોવાથી તે કામબુદ્ધ થયો જેથી તેની સાથે ગાંધર્વ વિવાહ કર્યો. ટૂંક સમયમાંજ તેને પોતાના સ્વગૃહે લઈ જવાનું વચન આપી રાજા પોતાને નગર ગયો. આ તરફ પૂર્ણ માસે શકુંતલાને એક પુત્ર સાંપડ્યો, જેનું નામ ઋષિએ `ભરત` રાખ્યું અને ઋષિ કણ્વએ શકુંતલાને પુત્ર ભરત સહિત, તેને હસ્તિનાપુર મોકલી. દુષ્યંત રાજાએ તેને ઓળખી પરંતુ શરમને કારણે એમને સ્વીકારવાની ના પાડી. જોકે, શકુંતલાએ ઘણી આજીજી કરી, પણ દુષ્યંતે સાંભળી જ નહીં. છેવટે આકાશવાણી થઈ કે રાજા, આ તારી સ્ત્રી અને તારો પુત્ર છે. તેનો અંગીકાર કર. આકાશવાણી સાંભળી રાજાએ પુત્ર સહિત શકુંતલાનો સ્વીકાર કર્યો. કાલિદાસે દુષ્યંત શકુંતલાના વૃત્તાન્ત આધારિત `શાકુંતલ` નાટક રચેલું
છે.પુરાણકાલમાં, રાજા દુષ્યંત-શકુંતલાનાં, શ્રીકણ્વઋષિના આશ્રમમાં થયેલાં લગ્ન, ગાંધર્વ વિવાહનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.