કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ
(Laws against domestic violence and abuse.)
મિત્રો, મહર્ષિ ગૌતમે પોતાની ધર્મપરાયણ પત્ની અહલ્યાને ગુસ્સે થઈ પથ્થરની શીલા બની જવાનો શ્રાપ આપ્યો અને અંતે દુઃખી થઈ અપાર પસ્તાયા. નવાઈની બાબત એ છે કે, આ મહાસતી અહલ્યાનો ઉદ્ધાર કરનારા ભગવાન શ્રીરામ, ગર્ભવતી સીતામૈયાના વનવાસનું નિમિત્ત બન્યા..!! મહાભારત મહાકાવ્યમાં, ધર્મરાજ યુધિષ્ઠીર જુગારમાં પત્ની દ્રૌપદીજીને હારી ગયા ત્યારે અત્યંત કરૂણ સ્વરે દ્રૌપદીએ સવાલ કર્યો," હું શું જુગારમાં હારી જવા જેવી કોઈ ચીજવસ્તુ છું? વળી જુગારમાં અગાઉ પોતાની જાત હારી જનાર ધર્મરાજને, મને જુગારમાં દાવ પર મૂકવાનો અધિકાર કોણે આપ્યો?" આટલાં સજ્જડ ઉદાહરણ પછી એ બાબત તો સ્પષ્ટ થાય છેકે, જેમને જીવતાં નથી આવડતું તેઓ પત્નીને પ્રતાડીત કરી, પાછળથી હંમેશા દુઃખી થયા છે. ( આજના ભારતમાં આ સહુ મહાનુભવોને કદાચ કાનૂની કાર્યવાહીનો સામનો કર્યા બાદ, સખત કેદ તથા ભારે દંડની સજા થઈ હોત?) જો કે, ભારતીય સંવિધાનની જોગવાઈ મુજબ, દહેજ વિરોધી ધારા ઉપરાંત, કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ પણ અત્યંત કડક કાયદા ઘડવામાં આવ્યા છે.સન-૧૯૮૩માં કૌટુંબિક અત્યાચાર તથા શોષણની વ્યાખ્યા નિશ્ચિત કરીને તેને Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ ફોજદારી અપરાધ ગણવામાં આવ્યો. ઘરમાં પતિ અથવા તેમના કુટુંબીઓ દ્વારા વિવાહિત સ્ત્રી પ્રત્યે ક્રૂર વ્યવહાર કરવામાં આવે ત્યારે, આ કાયદા અનુસાર ફોજદારી રાહે પગલાં ભરી કાયદાનો ભંગ કરનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.
Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ,
૧. વિવાહિત સ્ત્રી આત્મહત્યા માટે મજબૂર થાય તેવો ક્રૂર વ્યવહાર તેની સાથે કરવો.
૨. વિવાહિત સ્ત્રીને કાયમી ઈજા થાય અથવા તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય તેવી રીતે પીડા પહોંચાડવી.
૩. વિવાહિત સ્ત્રીના પિયરમાંથી સ્થાવર-જંગમ મિલ્કત મેળવવા માનસિક યાતના આપવી.
૪. અથવા વિવાહિત સ્ત્રી કે તેના કુટુંબી, આવી અઘટિત માંગણી સંતોષી ન શકે ત્યારે તે કારણસર તેને માનસિક સંતાપ આપવો. આ કાયદાની નોંધવા યોગ્ય બાબત એ છેકે, વિવાહિત સ્ત્રીના કોઈપણ કુટુંબી આ ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં કાયદાની કાર્યવાહી બાદ, અપરાધ સાબિત થાયતો, જે તે અપરાધીને ત્રણ વર્ષ સુધીની સખત કેદ અને/અથવા દંડની જોગવાઈ કરવામાં આવી છે.આ કાનૂન અંતર્ગત, `કૌટુંબિક ક્રૂરતા`ની વ્યાખ્યા પણ કરવામાં આવી છે. જે મુજબ,
૧.વિવાહિત સ્ત્રીને ભોજન ન આપવું.
૨.વિવાહિત સ્ત્રીને યૌન ઉત્પીડન કરવું.
૩.વિવાહિત સ્ત્રીને ઘરમાં નજરકેદ જેવી સ્થિતિમાં રાખી ત્રાસ આપવો.
૪. વિવાહિત સ્ત્રીને પોતાનાંજ સંતાનને મળવા ન દેવા.
૫. ઉપરાંત, વિવાહિત સ્ત્રી ઉપર શારીરિક અત્યાચાર આચરવો.
૬.વિવાહિત સ્ત્રીની સતત ટીકા-નિંદા દ્વારા, તેને માનસિક યાતના આપી તેનું મનોબળ ઘટે તેવા પ્રયત્ન કરવા.
૭. વિવાહિત સ્ત્રીને સમાજમાં હળવામળવા પર પ્રતિબંધ લાદવો.
૮. માતાને માનસિક યાતના પહોંચાડવાના ઈરાદાથી, તેનાં બાળકોને ઘમકાવવાં કે માનસિક ત્રાસ આપવો.
૯. વિવાહિત સ્ત્રી કે તેનાં કુટુંબી દ્વારા,સાસરિયાંની દહેજની માંગણી ન સંતોષાય તો, છૂટાછેડાની ધમકી આપવી. આ ઉપરાંત આ કાયદાની જોગવાઈ અનુસાર,લગ્ન બાદ પતિની તમામ સ્થાવર-જંગમ સંપતિ પર સ્ત્રીનો સમાન હક્ક હોય છે. યાદ રહે, સ્ત્રીને અવારનવાર ઘરમાંથી હાંકી કાઢવાની ધમકી સામે, અદાલતમાંથી તરતજ આ બાબતે જેતે સ્ત્રીને મનાઈ હુકમ મળી શકે છે. Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ, દહેજ માટે આપવામાં આવતા માનસિક ત્રાસ સામે પણ સ્ત્રીઓને પુરતું રક્ષણ આપવામાં આવ્યું છે. દહેજની પ્રતાડણાને કારણે સ્ત્રીનું અકુદરતી મૃત્યુ થાય તેવા સંજોગોમાં IPCની ધારા ૩૦૪-બી પ્રમાણે, આ અકુદરતી મૃત્યુ દહેજને કારણે નથી થયું તે પુરવાર કરવાની જવાબદારી પતિની રહે છે.સ્ત્રીના આપઘાતના કિસ્સામાં ધારા ૩૦૪-બી સાથે ધારા-૩૦૬ પણ ઉમેરાય છે, જેની જોગવાઈ મુજબ માનસિક ત્રાસને કારણે સ્ત્રીની હત્યા કર્યાનો ગુનો દાખલ (FIR) કરીને કાયદેસર કાર્યવાહી બાદ, ગુનો સાબિત થયેથી, અપરાધીને સાત વર્ષની સખત કેદની સજાનું કાનૂની પ્રાવધાન છે.તે સિવાય, પતિ-પત્ની વચ્ચે, જાતીય સંબંધ બાંધવા બાબતે, સ્ત્રીની મરજી વિરૂદ્ધ બાંધવામાં આવતા શારીરિક સંબંધને ક્રૂરતાપૂર્ણ વ્યવહાર માનીને, ગુનો સાબિત થયેથી છૂટાછેડા મેળવી શકાય છે. ન્યાયાલય દ્વારા દાદ મેળવી અલગ થયેલી પત્ની સાથે, પતિને શારીરિક સંબંધ સ્થાપવા પર IPC ૩૭૬-અ ધારા મુજબ નિષેધ ફરમાવેલ છે. વિવાહિત સ્ત્રી, ન્યાયાલયમાં કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ ઇચ્છે તેવા સંજોગોમાં, અદાલત દ્વારા પતિ પાસે, તેની સ્થાવર અથવા જંગમ મિલ્કત, સ્ત્રીની સામાજિક સલામતી સ્વરૂપે મૂકાવાય છે,જે સતત જારી રહેતી કૌટુંબિક હિંસા તથા શોષણના કિસ્સામાં, અદાલતી આદેશથી જપ્ત પણ કરવામાં આવે છે.જોકે, CrPcની ધારા-૧૨૫ મુજબ સોગંદનામા દ્વારા સાબિત કરવામાં આવેકે, વિવાહિત સ્ત્રી દ્વારા કોઈપણ વ્યાજબી કારણ વગર, સાંસારિક જીવન સ્થાપિત કરવા ઇન્કાર કરવામાં આવે છે, તેવા સંજોગોમાં પતિ પાસેથી તે સ્ત્રી ભરણપોષણ કે અન્ય વળતર મેળવવાને હક્કદાર નથી.
નોંધ- તાજેતરનાં વર્ષોમાં, વિવાહિત સ્ત્રી તથા તેના કુટુંબીઓ દ્વારા, સાસરી પક્ષના, નિર્દોષ પતિ તથા તેમના બેકસૂર કુટુંબીઓને અકારણ કાનૂની માયાજાળમાં ફસાવીને આ કાનૂન અંતર્ગત, વ્યભિચાર તથા ક્રૂરતાના બનાવટી આરોપ કરીને, ખોટી ફરીયાદ કરવામાં આવી હોવાના કેટલાક કિસ્સા અદાલતના ધ્યાન પર આવેલા જેમાં, વિવાહિત સ્ત્રીના બનાવટી આરોપોને નકારી કાઢી, આરોપીઓને આરોપ મૂક્ત કર્યાના ચૂકાદા પણ આવેલા છે.
National Commission for Women, New Delhi, Indiaના ચેરપર્સન સુશ્રીગિરીજા વ્યાસ તથા જાણીતા ધારાશાસ્ત્રી શ્રીઅતુલ નાગરાજન માને છેકે," દેશમાં પતિ-પત્નીના વિવાદોમાં, બેવફાઈ તથા વ્યભિચારના સામસામે સાચા-ખોટા આરોપ માટે CrPC ની ધારા- ૩૪૦ અને ધારા-૩૪૪ અંતર્ગત કરવામાં આવતાં સોગંદનામાને ચકાસવાની કાર્યવાહી અદાલતે કેમેરા સામે, બંધ બારણે કરવી જોઈએ જેથી કોઈ નિર્દોષ વ્યક્તિની અકારણ બદનામી થતી અટકાવી શકાય. જોકે, પતિ-પત્નીના બંને પક્ષે, આવી પીડાદાયક કાનૂની માથાકૂટમાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય સમજદારીભર્યું સહજીવન આજીવન પસાર કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન માત્ર હોઈ શકે..!! સન-૧૯૨૩માં, પંજાબના અલમોરા જિલ્લામાં જન્મેલા તથા સન-૧૯૫૨થી મૌનવ્રત પાળનારા મહાસંત શ્રી બાબા હરિદાસજીના જ્ઞાનવચન મુજબ, “ પતિ-પત્ની અનાજના એવા દાણા (સોયાબીન) સમાન છે જેના બે અલગ ફાડિયાં કરી અરધા-અરધા ભાગને, જમીનમાં અલગ-અલગ વાવવામાં આવે તો તે ક્યારેય અંકુરિત થતા નથી. પરંતુ, આ અનાજનો આખો દાણો તેને એકત્વ બક્ષતા ફોતરા( Skin) સાથે વાવતાંજ તે અંકુરિત થાય છે." સંસારમાં સહજીવનને નવપલ્લવિત રાખવા નવદંપતિએ આ જ્ઞાન ગાંઠે બાંધવા જેવું છે..!! દેવોની નગરી જો સ્વર્ગ હોય તો, દેવત્વભાવને ધારણ કરીને, પ્રસન્ન દાંપત્ય દ્વારા, નવવિવાહિત દંપતિ પોતાના નિવાસસ્થાનને સ્વર્ગથી પણ અદકેરું બનાવી શકે છે. દેવત્વ એટલે, શુભભાવ, મંગલ વાતાવરણ, સંતોષમાં સુખ તથા વાણી-કર્મ-વ્યવહારમાં સત્ય પવિત્રભાવની અધિકતા..!! આમ પણ, આપણા શાસ્ત્રોમાં ઘર ગૃહસ્થીમાં સુખ,શાંતિ તથા સમૃદ્ધિનો મુખ્ય સ્રોત નારીશક્તિને માનવામાં આવે છે. આથીજ મનુ સ્મૃતિમાં (૩.૫૬) , “यत्र नार्यस्तु पूज्यंते तत्र रमन्ते देवता । - Where women are honored, there the Gods are pleased. But where they are not honored, no sacred rite yields rewards.” (Manu Smriti 3.56) કહીને નારીશક્તિને બીરદાવવામાં આવી છે.