લગ્નપ્રસંગના શુભદિનની આચારસંહિતા
આપણા દેશમાં કોઈપણ લગ્નપ્રસંગમાં, જુના-નવાં માની લીધેલાં માન-અપમાનને યાદ કરીને, એકમેક સાથે બદલો વાળવાના ભાવ સાથે, રિસામણાં-મનામણાંની કુપ્રથા આજેપણ અમલમાં છે. આવા સમયે સમજદાર કુટુંબીજનની સલાહ-શીખામણને અવગણીને, મોટાભાગે લગ્નવાંછુક કન્યાના માતાપિતા તથા તેઓના અન્ય કુટુંબીજનો પાસે, સ્વમાનભંગના બહાના હેઠળ, નાકલીટી તણાવવાનો દુરાગ્રહ રખાય છે. જોકે, આમ કરવાથી કદાચ કોઈનો અહમ જરૂર તૃપ્ત થતો હશે, પરંતુ જેતે વ્યક્તિના શુભપ્રસંગનું વાતાવરણ કલુષિત થવા સાથેજ, એકમેકના દિલમાં ક્યારેક કાયમી વેરઝેરની ભાવના ઘર કરી જતી હોય છે. આથીજ, શુભપ્રસંગ સંપન્ન ન થાય ત્યાં સુધી, હર્ષોલ્લાસના વાતાવરણને કલુષિત કરવા ઈચ્છા ધરાવતાં,વરપક્ષ તથા કન્યાપક્ષનાં ઉપદ્રવી કુટુંબીજનોને પ્રસંગ શરૂ થતા અગાઉથીજ, મોભાદાર વડીલો દ્વારા સમજાવટભર્યું જરૂરી માર્ગદર્શન આપવું હિતાવહ છે. કોઈપણ લગ્નપ્રસંગ સુપેરે સંપન્ન થાય ત્યાંસુધી, વર-કન્યા સહિત, પ્રસંગમાં ભાગ લેનાર દરેકને માટે ચૂસ્તપણે પાલન કરવા જેવી આચારસંહિતાની આ રહી કેટલીક ઉપયોગી બાબતો.
* લગ્નપ્રસંગે અઢળક નાણાં ખર્ચવા છતાં, હંગામી ધોરણે ઉભી કરાયેલી વ્યવસ્થાની ખામીઓને વખોડી,હોબાળો મચાવવાને બદલે તે સ્થિતિને અનુકૂળ થવાનું રાખો. (ભૂતકાળમાં તમારે ત્યાં યોજેલા પ્રસંગને યાદ રાખવો.)
* લગ્નમંડપમાં વર તથા કન્યાએ, પોતાની મુત્સદીગીરીને કામે લગાવી એકમેકનાં નારાજ કુટુંબીજનનો પ્રેમ સંપાદિત કરવા પ્રયત્ન કરવો જોઈએ. સહુની હાજરીમાં, માંહ્યરાંમાં એકમેકની સામે રોષ વ્યક્ત કરવાનું ટાળવું જોઈએ.
* લગ્નની તમામ વૈદિક ધાર્મિકવિધિનું સન્માન કરી, તેનો ભાવાર્થ સમજવામાં ધ્યાન પરોવવું. (કમસે કમ એટલા સમય પુરતું વર-કન્યાએ પોતાના મોબાઈલ બંધ રાખવા.)
* વર-કન્યા દ્વારા, પ્રભુતામાં પગલાં પાડવાં તે, તેઓના જીવનની એક ગંભીર અને મહત્વપૂર્ણ ઘટના છે. બીનજરૂરી ઉતાવળ તથા મિત્રો-સખી સાથે મજાકિયો શોરબકોર કરીને, માંહ્યરાંને ઉપહાસનું કેન્દ્ર ન બનવા દેશો.
* લગ્નમંડપમાં ભેટસોગાદ આપનાર પ્રત્યે આભાર પ્રગટ કરવાનું ચૂકશો નહીં.
* માંહ્યરાંની આસપાસ, વર-કન્યા, બંનેના અંગત મિત્રો ભલે હાજર રહે, પરંતુ શુભપ્રસંગનું ગૌરવ જળવાય તે માટે, તેમને આલ્કોહોલ સહિત કોઈપણ વ્યસનથી દૂર રહી, આવેલા સગાવહાલાં તથા મહેમાનને અસહજતા, અણગમો તથા ભોંઠપ ઉત્પન્ન થાય તેવું અજુગતું અશ્લીલ વાણી-વર્તન ન કરવા અગાઉથીજ તાકીદ કરશો.
* કન્યાપક્ષ માટે મોટાભાગે કન્યા વિદાયનો પ્રસંગ ભાવુકતા પેદા કરનારો હોય છે, તે સમયે વરપક્ષ તરફથી, અકારણ કરવામાં આવેલી ઉપહાસજનક ખોટી ટીકાટિપ્પણીથી વાતાવરણ બગડી શકે છે. આ સમયે સંયમ રાખો.
* લગ્નપ્રસંગ બાદ, સાસરીમાં નવવધુના ગૃહપ્રવેશ પશ્ચાત, નવા વાતાવરણમાં સેટ થવા મથતી નવવધુને, લગ્નપ્રસંગમાં તેના પિતા દ્વારા રહી ગયેલી ખામીઓ બાબતે, કડવાં વેણ સંભળાવીને તેને વધુ માનસિક ત્રાસ થાય તેવું વાતાવરણ ઊભું ન થવા દેશો.
* આર્થિકરીતે પોસાય તેવા હરવાફરવાના સ્થળે જ, નવદંપતિએ મધુરજની માણવા માટે આયોજન કરવું જોઈએ. આર્થિક બોજો (દેવું) કરીને, દેખાદેખી વિદેશ પ્રવાસ કરી પરત આવ્યા બાદ તરત દેવું ચૂકવવાની ચિંતા વિવાહિત નવજીવનનો આનંદ લુપ્ત કરી શકે છે.
* નવદંપતિએ યાદ રાખવું જોઈએકે, મધુરજનીનો સ્વર્ણકાલ જીવનમાં ફક્ત એકવાર આવે છે. આ સમયે જાતીય આનંદને પ્રાધાન્ય આપવાને બદલે,પતિ-પત્નીએ એકમેકને પ્રેમ-હૂંફ તથા હકારાત્મક વિચારોના આદાનપ્રદાન દ્વારા ભાવિ સહજીવનના પડકારોને પહોંચી વળવા, સકારાત્મક રોમાંસમાં મન પરોવવું જોઈએ. યાદ રહે, સેક્સ ફક્ત શારીરિક મિલન સુધી સીમિત નથી, તે બે હૃદયનું મિલન પણ હોય છે. (આમેય, જાતીય આનંદ માટે આખી જિંદગી બાકી હોય છે..!!)
* નવદંપતિએ મધુરજનીના દિવસોમાં,પોતાની અંગત પળોની તસ્વીર કે વિડીયો ઉતારતી વેળાએ સામાજીક મર્યાદાનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે, અન્યથા અશ્લીલ જણાતી તસ્વીર કે વિડીયો, નવદંપતી વચ્ચે ભવિષ્યમાં મોટા વિખવાદનું કારણ બની શકે છે. જૈન ધર્મમાં, ચોવીસેય તીર્થંકરો દ્વારા, પ્રત્યેક નરનારીને એકાંત શૈયાસનનો (શૈયા + આસન) ઉપદેશ અપાયો છે. તેની પાછળ મર્મ એજ છેકે, બે અલગ વ્યક્તિત્વ, માનવસહજ સ્વભાવ મર્યાદાને કારણે, સંપૂર્ણ એકાકાર કે `Adjustable` બની શકે નહીં. તેવા સમયે એકાંત શૈયા અને એકાંત આસનથી સંસારની વિકૃતિથી બચાવ થાય છે અને કર્મબંધનથી મૂક્તિ મળતાં, મોક્ષમાર્ગ ખૂલ્લો થાય છે.
યાદ રહે, નવદંપતિએ મધુરજનીના દિવસો દરમિયાન જેટલો સમય સાથે વિતાવ્યો હતો, તેની યાદગાર, પ્રેમભરી ક્ષણોની ચર્ચા અને આનંદ એજ, સહજીવનની શરુઆત કરવાનો આધાર હોય તે જરુરી છે. શક્ય છે,આવી પ્રેમાળ અને લાગણીને ઉત્તેજીત કરનારી વાતો વાગોળતાંજ, તમારું ઘણું બધું કાર્ય સરળ થઈ જાય..!! પોતાના જ કુટુંબમાં, ઘણાં વડીલોએ, સફળ લગ્નજીવનની રજતજયંતી કે ગોલ્ડનજયંતી ઊજવી હશે, જેઓ ખરા દિલથી ઈચ્છતા હશે કે, તમો પણ એક સાથે, સંવાદિતાથી, લાંબું, સુખમય,શાંતિમય,લગ્નજીવન પસાર કરો. આપના સહજીવનને મજબૂત કરવા માટે,પતિ- પત્ની, બંને એક સાથે, કોઈપણ સ્વાર્થ વગર,આ પ્રકારની મદદ કરવામાં આનંદ થતો હોય તેવા વડીલોને,વારંવાર મળવાનું રાખો. જેમાં આ વડીલોએ તેમના જીવનમાં આવેલા આ પ્રકારના મનદુઃખને, કેવીરીતે ટાળ્યું હતું ? તે બાબત શરમ રાખ્યા વગર તેઓને જરૂર પૂછો. નારાજ જીવનસાથીના નિકટના વ્યક્તિઓ પાસે,તેનો વાંક- ભૂલ કાઢવાને બદલે, હકારાત્મક વિચારોને વહેતા મૂકો, યાદ રહે આમ કરવાથી, નારાજ જીવનસાથીની નિકટ રહેતાં, તમામ સ્વજન આ સંકેતને, જાણે અજાણે નારાજ જીવનસાથીના મનમાં ઠસાવશે અને તમારું કાર્ય સરળ થશે. ધીરજ ગુમાવશો નહી. અનેક દિવસોની નાની નાની આઘાતજનક ઘટનાઓનો ગુણાકાર થયા બાદ, એકમેક માટે મોટા મનદુઃખનાં બીજ રોપાય છે.તમારી લાગણી ઘવાઈ હશે તો, સામા પાત્રની લાગણી પણ એટલી જ ઘવાઈ હશે,તેથી ધીરજ સાથે સમજદારી દાખવો